કાન તને રાધા ગમે કે ગમે મીરાં
એકે કાળજ કરવત મેલ્યાં,
એકે પાડ્યા ચીરા!
કાન તને રાધા ગમે કે ગમે મીરાં?
★
એકે જોબન ઘેલી થઈને તુજને
નાચ નચાવ્યો;
એકે જોબન ઘૂણી માથે તારો
અલખ જગાવ્યો.એકે તુજને ગોરસ
પાયાં, એકે ઝેર કટોરા!
કાન તને રાધા ગમે કે મીરાં?
★
પચરંગી પાનેતર તું વિણ રાધે
કદી ન પહેર્યા;
મખમલિયો મલીર મીરાંનાં
અંગે કદી ન ઓઢયાં.
એકે ઓઢી શ્યામ ઓઢણી,
એકે ભગવા લીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?
★
મલક બધાનો મેલી મલાજો
રાધા બની વરણાગણ;
ભરી ભાદરી મેલી મહેલાતો
મીરાં બની વીજોગણ.
એક નામની દરદ દીવાની,
બીજી શબદ શરીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?
★
કીધું ક્રિષ્નએ પૂછો એટલું
મળે ક્યાંય જો રાધા;
મળે ક્યાંય તો પૂછો મીરાંને
કોને વહાલો માધા?.
મોરે અંતર રાધા વેણુ વગાડે,
ભીતર મીરાં મંજીરા!
કાન કહે મારે બે સરખાં રાધા મીરાં!
કાન તને રાધા ગમે કે મીરા.
★પરબત ગોરીયા★
Friday, October 7, 2016
કાન તને રાધા ગમે કે મિરાં
Labels:
रास
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment